જયારે શરીરમાં એસીડીક પદાર્થોનું પ્રમાણ વધી જાય છે, ત્યારે તથા કેટલાક ખાસ રોગોની સ્થિતિમાં શરીરમાં હાથ-પગના તળિયામાં, પેટમા, છાતીમાં, પેશાબમાં, ગુદામાં, આંખમાં કે ત્વચામાં દાહ કે ખુબ જ બળતરાનો દુઃખદ અનુભવ થાય છે.
અંગદાહ થવાના કારણો: શરીરમાં પિત્તરસનું પ્રમાણ વધી જવાના કારણે, વધારે ગરમી અને ગરમીનો તાવ, એસીડીટીનું વધારે પ્રમાણ, ચામડી પર ગરમ પાણી કે પ્રવાહી પડવાથી, અગ્નિની જ્વાળા લાગવાથી, ભારે તડકો લાગવાથી, મસાલેદાર તીખું વધારે પડતું ખાવાથી, દારુ કે તમાકુના વધારે સેવન કરવાથી જેવા કારણોસર શરીરમાં દાહ કે ગરમી ઉત્પન્ન થઈ શકે છે. આ બળતરા, દાહ, જલન અને દાઝ્યા ઉપર આયુર્વેદિક ઔષધિઓ દ્વારા ઈલાજ કરીને તેને દુર કરી શકાય છે.
બહુફળી: બહુફળી નામની વનસ્પતિને આખી- પાખી ખાંડી, ભૂકો કરી 1 થી 2 કપ પાણીમાં રાત્રે પલાળી, સવારે તે દવા હાથથી ચોળી, કપડેથી ગાળી લઇ, તેમાં 1 ચમચી સાકર ભેળવી દરરોજ સવારે અને સાંજે પીવું. અડધા કલાક પછી ઠંડું દૂધ ઉપરથી પીવું. તેથી હાથ-પગના તળિયામાં દાહ-બળતરા તથા ખુબ પરસેવો થતો હોય તે મટે છે.
આમળા: આમળાનું ચૂર્ણ તથા મોટા બોર તથા ધાણાના ચૂર્ણને ધરોના કે કોથમરીના રસમાં વાટી અંગદાહ પર પાતળો લેપ કરવો. આમળા, સુગંધીવાળો, ચંદન પાવડર, મોથ, ઘઉંનું સત્વ, સરખા ભાગે લઈ, ચૂર્ણ કરી તેમાં ગુલાબ જળ કે પાણી મિલાવી, બળતરાવાળા અંગ પર પાતળો લેપ કરવો. જેનાથી ઠંડક મળશે.
દ્રાક્ષ: કાળી દ્રાક્ષ, વરીયાળી, આખા ધાણા અને સાકરના 1 ગ્લાસ પાણીમાં 1-1 ચમચી જેટલા પલાળી, સવારે તે ચોળી-ગાળીને પીવું. દ્રાક્ષ, કિસમીસ, ચારોળી અને એલચીના દુધમાં સાકર મિલાવી, ઉકાળી ઠંડું કરી પીવું. કાળી દ્રાક્ષ, ધાણા, મજીઠ, ઉનાબ, ગુલેગાવજબાન, ધાણા, સોનામુખી પાન, હિમેજ, ગુલાબનું ફૂલ અને વરીયાળી સરખા ભાગે લઈ પાવડર કરી, તે 0.5 થી 1 ચમચી દવા- ઘી સાકર કે પાણીમાં દરરોજ લેવાથી શરીરની તમામ ગરમી મટે છે.
વરીયાળી: વરીયાળી, કાળી દ્રાક્ષ, આખા ધાણા અને સાકરના 1 ગ્લાસ પાણીમાં 1-1 ચમચી જેટલા પલાળી, સવારે તે ચોળીને કે ગાળીને પીવાથી દાહ મટે છે. ધાણા જીરું, વરીયાળી અને સાકરની ફાકી બનાવીને 1 ચમચી જેટલી આ દવા ઘી કે પાણીમાં દરરોજ સવારે ૩ થી 4 વખત લેવી.
કોથમરી: કોથમરી કે ધરોના રસમાં, બોર તથા આમળાનું ચૂર્ણ તથા ધાણાનું ચૂર્ણ વાટી અંગ પર લેપ કરવો જેનાથી દાહ મટે છે. આખા ધાણા, વરીયાળી, દ્રાક્ષ અને સાકર 1 ગ્લાસ પાણીમાં 1-1 ચમચી જેટલા પલાળી, સવારે તે ચોળીને પછી ગાળીને પીવાથી દાહ મટે છે. કોથમરીનો રસ, આમળાનો રસ, ગળોનો રસ વગેરેમાં સાકર મિલાવીને 1 થી 2 કપ પીવાથી બળતરા મટે છે. ધાણા-જીરું અને વરીયાળી સાકરની ફાકી બનાવીને 1 ચમચી જેટલી દવા ઘી કે પાણીમાં દરરોજ ૩ થી 4 વખત લેવાથી અંગોની બળતરા મટે છે.
એલચી: એલચીને દુધમાં ભેળવી, તેમાં કિસમીસ, ચારોળી વગેરે મિલાવીને તેને ફ્રીજમાં રાખી દીધા બાદ પીવાથી દાહ મટે છે. એલચીને આમળાના ચૂર્ણમાં એક ચપટી જેટલી નાખી, તથા દળેલી સાકર 1 તથા 1 ચમચી ધીમાં મિલાવી ચાટવાથી કે પાણીમાં આ દવા 2 થી ૩ વખત લેવાથી ગરમી મટે છે.
ચંદન: સુગંધ વાળો ચંદન પાવડર, આમળા, મોથ કે ઘઉંનું સત્વ સરખા ભાગે લઈ તેનું ચૂર્ણ કરી બનાવીને તે મિશ્રણને ગુલાબજળમાં કે પાણીમાં મિલાવી તેને દરરોજ ઠંડો લેપ કરવાથી દાહ મટશે, ચંદનાદિ કવાથ, અભ્યાદિ કવાથ કે ચંદન, ખસ કે ગુલાબનું દેશી શરબત ઠંડા-પાણીમાં પીવાથી દાહ શમે છે. ચંદન પીળું પાવડર, શતાવરી, જેઠીમધ, આમળા, ગુલાબની સૂકી પત્તીનું ચૂર્ણ બનાવી ઘી કે સાકર મિલાવીને પીવાથી અંગદાહ મટે છે.
ગરમાળો: દર્દીએ દાહ મટાડવા માટે રાત્રે દરરોજ જુલાબ લેવો, તે માટે ગરમાળાનો ગોળ સાથે ત્રિફળા ચૂર્ણ, હરડે ચૂર્ણ, નસોતર ચૂર્ણ, ઈસબગુલ વગેરે લેવા. ગરમાળાનો ગુલકંદ 1-1 ચમચી ગુલાબ દેશી સાથે 2 થી ૩ નંગ સાકર સાથે દરરોજ સવારે અને સાંજે પીવું. ગુલકંદ ચાટીને ઉપરથી દૂધ પીવું.
સાકર: નારિયેળનું પાણી કે ધરોનો રસ સાકર મિલાવી પીવો. મમરા અને સાકરનો ઉકાળો પાણીમાં કે દુધમાં કરી પીવાથી બળતરા મટે છે અને દાહ મટે છે. તાંદળજાના પાનનો રસ અડધો કપ કાઢી, તેમાં સાકર મિલાવી પીવાથી બળતરા હાથ પગની બળતરા કે પેટની બળતરા શમે છે. ગળજીભીના પાનનો રસ 25 મિલી રસમાંથી 11.5 ચમચી સાકર મિલાવી દરરોજ 2 થી ૩ વાર પીવો.
લીમડો: લીમડાની અંતરછાલ અથવા પાનની કુંપળોને પાણીમાં વાટીને, તેમાં ઝેરની ફેરવતા, ફીણ થાય તે ફીણ બળતરાવાળા અંગ પર દરરોજ ચોપડવાથી ઠંડક થાય.તાજા બોરડીના લીલા પાન લીંબુના રસમાં વાટી દાહ પર ચોપડવાથી દાહ શમે છે.
તકમરિયા: તકમરિયા 2 થી ૩ કલાક પાણીમાં કે દુધમાં પલાળી રાખીને, તેમાં સાકર કે દેશી સરબત ગુલાબ, જેવું મિલાવીને દરરોજ પીવું. ફાલુદા શરબત પીવાથી અંગદાહ શમે છે. ઠંડો આઈસ્ક્રીમ ખાવાથી દાહ શમે છે.
ગળો: લીમડાનો ગળો, ધાણા, લીમડાની છાલ, કરિયાતું, નાગરમોથા, સુખડ રાતું અને ખડસલિયો (પિત્ત પાપડો) સરખા વજને લઈ, અધકચરા ખાંડી, તેના ભુકાનો ઉકાળો બનાવી 60 મિલી ઉકાળો, સાકર મેળવી પીવાથી દાહ મટે છે.
આમ, આ તમામ ઉપરોક્ત ઉપચારો શરીરમાંથી દાહ મટાડવા માટે ખુબ જ ઉપયોગી છે. તે શરીરને ઠંડક આપે છે, શરીરમાંથી દાહ શમન કરે છે. આ ઉપચારોમાં તમામ વસ્તુઓ કુદરતી પ્રાકૃતિક પદાર્થો ઉપર આધારિત હોવાથી શરીરમાં કોઈ નુકશાન કે આડઅસર કરતા નથી, આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને શરીર બળવાની, દાહ થવાની આ સમસ્યામાંથી છુટકારો મળે.