ચિત્રકની ખેતી આખા ભારતમાં થાય છે. રંગના કારણે ચિત્રકની બે પ્રજાતિઓ હોય છે, જેમાં લાલ અને સફેદ ચિત્રક હોય છે. સફેદ ચિત્રક ખાસ કરીને વિશેષ પ્રમાણમાં પશ્વિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, દક્ષિણ ભારત તથા શ્રીલંકામાં થાય છે. જ્યારે લાલ ચિત્રક પહાડી સિક્કીમ, બિહારમાં વધારે પ્રમાણમાં થાય છે. તેના મૂળ, રસ તથા પાંદડાનો પ્રયોગ કરવામાં આવે છે. ચિત્રક ૩ થી 6 ફૂટની ઊંચાઈ વાળો છોડ છે. ચિત્રકનું વાનસ્પતિક નામ Plumbago zeylanica linn.છે. અનેક રોગો અને બીમારીમાં આ ચિત્રકનો ઉપયોગ કરવામાં આવે છે, જેના લીધે ચિત્રકના ઉપયોગો વિશેની માહિતી અમે અહિયાં રજૂ કરીએ છીએ. જેથી આ રોગોને તમે ચિત્રકનો ઉપયોગ કરીને મટાડી શકો. ચાલો જાણીએ ચિત્રકના આયુર્વેદિક ફાયદા વિષે.
પાચનશક્તિ વધારે: સિંધવ મીઠું, હરડે, લીંડી પીપર અને ચિત્રક આ બધાને સમાન માત્રામાં ભેળવીને ચૂર્ણ બનાવી લો. અડધાથી એક ગ્રામ માત્રા ગરમ પાણી સાથે સવારે અને સાંજે લેવાથી પાચન શક્તિ વધે છે તેમજ અજીર્ણ, અરુચિ અને અગ્નીમાધ રોગમાં લાભ મળે છે. ચિત્રકના મૂળનું ચૂર્ણ વાવડીંગ અને નાગરમોથા સાથે સમાન માત્રામાં ભેળવીને ચૂર્ણ બનાવી લેવાથી આમ દોષનું પાચન થઈને પાચનશક્તિ વધે છે તેમજ આમવાતનો વા પણ મટે છે.
અપચો: ચિત્રકના મૂળ, અજવાયન, સુંઠ, કાળા મરી અને સિંધવ મીઠું સમાન માત્રામાં લઈને તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણના અડધાથી એક ગ્રામની માત્રામાં છાશ સાથે લેવાથી અપચો મટી જાય છે. જેનાથી મંદાગ્ની દુર થઈને પાચનશક્તિ વધે છે.
અતિસાર-ઝાડા: ચિત્રકના મૂળનું ચૂર્ણ અડધા ગ્રામ છાશ તથા ગરમ પાણી સાથે દિવસમાં ત્રણ વખત લેવાથી અતિસાર તથા ગ્રહણી રોગ નાશ પામે છે. જે પેટના તમામ રોગોમાં ઉપયોગી હોવાથી ઝાડાને મટાડે છે.
યકૃત અને બરોળ રોગ: ચિત્રક, આમલી ક્ષાર, શેકેલી હિંગ, યવક્ષાર અને 500 ગ્રામ મીઠું બધાને સમાન માત્રામાં ભેળવીને લીબું સાથે ભેળવી વાટીને રાખી લો. તેના અડધાથી 1 ગ્રામ સુધી સવારે અને સાંજે લેવાથી બરોળમાં વૃદ્ધિ અને યકૃત રોગોમાં લાભ થાય છે.
કમળો: ચિત્રકના મૂળને બારીક વાટીને અડધા ગ્રામ દહીંના પાણી સાથે દેવાથી કમળો મટે છે. આ ઈલાજ તરીકે છાશ સાથે પીવાથી પણ ખુબ જ ફાયદો થાય છે. આ ઈલાજ માં તે કમળાના જીવાણુંઓનો નાશ કરે છે.
મરડો: ચિત્રક, બીલીની ગીરી તથા સુંઠને બરાબર માત્રામાં ભેળવીને ચૂર્ણ બનાવી લો. અડધાથી એક ગ્રામ માત્રામાં સવારે અને સાંજે બીલીના ફળનો મુરબ્બો ચાહણી સાથે લેવાથી લાભ થાય છે. આ મરડાનો ઘરેલું ઉપચાર છે.
સંગ્રહણી: ચિત્રકનો ઉકાળો અથવા તો 5 ગ્રામ ચિત્રક ચૂર્ણને 200 મિલી પાણીમાં ઉકાળીને 100 મિલી રહી જાય ત્યારે ઉતારીને પોતાની મેળે ઠંડુ પડવા દો. આ ઉકાળામાં ગાયનું ઘી 5 થી 10 ગ્રામ ભેળવીને સવારે એક વખત લેવાથી સંગ્રહણીમાં લાભ થાય છે. ચિત્રકના મૂળના ચૂર્ણને અડધા ગ્રામ મધ તથા આદુના રસમાં ભેળવીને સવારે અને સાંજે ચાટવાથી નવી શરદી અને ખાંસીમાં આરામ મળે છે.
હાથીપગો: ચિત્રકના મૂળ તથા દેવદારને સમાન માત્રામાં લઈને ચૂર્ણ બનાવીને તેમાં ગૌમૂત્ર ભેળવીને હાથીપગોના રોગમાં બહારથી લેપ કરવાથી આરામ મળે છે. હાથી પગો દુર કરવા ચિત્રક, દેવદાર સફેદ, સરસવ અથવા સરગવામાંથી કોઈ એક વૃક્ષનું મૂળની છાલને ગૌમૂત્રમાં વાટીને ગરમ ગરમ લેપ કરવાથી હાથીપગો મટે છે.
તાવ: ચિત્રકની મૂળનું ચૂર્ણ અડધા ગ્રામ અને ત્રિકટુ ચૂર્ણ (સુંઠ, કાળા મરી, પીપળ)ના એક ગ્રામ માત્રા ગરમ પાણી સાથે દેવાથી પરસેવો આવીને તાવનો વેગ ઓછો થઈ જાય છે. તાવમાં જ્યારે લોહીનો સંચાર ધીમો પડી જાય છે ત્યારે રોગી અનાજ નહિ ખાઈ રહ્યો હોય તો ચિત્રકના મૂળના નાના ટુકડા ચાવવા માટે આપવાથી ખુબ જ લાભ થાય છે.
આધાશીધી: ચિત્રક, પુષ્કર મૂળ અને સુંઠ બધાને 10-10 ગ્રામ લઈને બારીક ચૂર્ણ બનાવી લો. લગભગ 1 ગ્રામ ચૂર્ણ સવારે મીઠાઈ સાથે ખાવાથી માથાનો અડધા માથાનો દુખાવો મટે છે. આ ઉપચાર સવારે જ્યારે સૂર્ય ઉગે અને માથું દુખવાની શરુઆત થાય છે જેને આધાશીશી કહેવામાં આવે છે.
ગઠીયો વા: ચિત્રકના મૂળ, આમળા, હરડે, પીપળ, રેવંદચીની અને કાળા મીઠાને સમાન માત્રામ લઈને ચૂર્ણ બનાવી લો. તેની 2 ગ્રામ માત્રા રાત્રે સુતા સમયે ગરમ પાણી સાથે લેવાથી સંધિવા, ગઠીયો અને વાયુ રોગમાં લાભ થાય છે. ચિત્રક મૂળના ચૂર્ણને ગરમ પાણી સાથે ભેળવીને સાંધાના સ્થાન પર લેપ કરવાથી વૃદ્ધાવસ્થાના સાંધાના દર્દમાં લાભ થાય છે.
હ્રદયશૂળ: જ્યારે રોગીના છાતીમાં દર્દ થઇ રહ્યું હોય તો ચિત્રકના મૂળ 2 ગ્રામ, ત્રીકટુ ચૂર્ણ (સુંઠ, કાળા મરી, પીપળ)ના 6 ગ્રામ અને પીપરામૂળ 2 ગ્રામ લઈને 200 મિલી પાણીમાં ઉકાળીને 100 મિલી રહે ત્યારે ધીમી આંચ પર ઉકાળી લો. આ પછી ગાળીને એક થી બે વખત લેવાથી હ્રદયશૂળમાં લાભ થાય છે.
હરસમસા: ચિત્રકના મૂળને વાટીને પાણીમાં ગાળીને માટીના વાસણમાં લેપ કરી દો. આ પછી આ માટીના વાસણમાં દૂધનું દહી બનાવો અને દહી જામી ગયા બાદ તેને વલોવીને માખણ કાઢી લીધા બાદ જે છાશ વધે તેને પીવાથી હરસમસામાં લાભ થાય છે. ચિત્રકના મુળની છાલના 2 ગ્રામ ચૂર્ણને છાસ સાથે સવારે અને સાંજે ભોજન પહેલા પીવાથી હરસમસામા લાભ થાય છે.
કોઢરોગ: લાલ ચિત્રકના સુકા મૂળનું ચૂર્ણ એક ગ્રામની માત્રામાં સવારે અને સાંજે મહામંજિષ્ઠાદિ કવાથ સાથે સેવન કરવાથી લાભ થાય છે. કોઢના રોગમાં ચિત્રકની છાલનું ચૂર્ણ 1 ગ્રામની માત્રામાં નિયમિત ખાવાથી એક વર્ષના ગાળામાં લાભ થાય છે. ચામડીનો સફેદ કોઢ, સફેદ ડાઘમાં ચિત્રકમૂળના ચૂર્ણને ગૌમૂત્રમાં ભેળવીને લેપ કરો. લેપ પછી ચાંદા થવા બળેલા સમાન નિશાન દેખાઈ આવે તો લેપ તાત્કાલિક બંધ કરી દેવો. અને નારિયેળનું તેલ લગાવવું. આ જગ્યા પર નવી ચામડી આવે છે અને સફેદ ડાઘ મટી જાય છે.
કાચા ગુમડા: શરીર પર બહારની જગ્યાએ કોઈ અપક્વ ગાંઠ અથવા કાચા ગુમડા દેખાઈ આવે તો તેમાં દર્દ થાય છે તો ચિત્રકના મૂળને વાટીને ગરમ પાણીમાં ભેળવીને ગાંઠ પર બાંધી દો. તેનાથી તે ચાંદુ, ગુમડું કે ગાંઠ જલ્દી પાકી જાય છે. તેનાથી તે જલ્દી પાકીને ફૂટી જાય છે. અને પછી જેમાંથી પસ કે પરું બહાર કાઢીને ત્યાં સફાઈ કરી લો. આ બાદ ત્યાં ચિત્રકની છાલમાં સિંધવ મીઠું ભેળવીને છાશમાં વાટી લો અને તેની થેપલીઓ બનાવીને ઘાવ પર બાંધવાથી ઘાવ જલ્દી ભરાઈ જાય છે.
ગળાનું દર્દ: અજમોદા, હળદર, આમળા, યવક્ષાર અને ચિત્રકનું ચૂર્ણ સમાન માત્રામાં ભેળવીને આ મિશ્રણની એક ગ્રામની માત્રામાં દિવસમાં ૩ વખત વિરુદ્ધ માત્રામાં મધ અને ઘી અથવા એક ભાગ મધ અને અડધો ભાગ ઘીમાં ભેળવીને ચાટવાથી ગળાનો રોગ જલ્દી ઠીક થાય છે. આ ઈલાજથી ગળાનો અવાજ બેસી ગયો હોય તો તે ખુલે છે.
આમ, આ ઈલાજ તરીકે ચિત્રક ખુબ જ ઉપયોગી વનસ્પતિય ઔષધી છે. જે આયુર્વેદિક હોવાથી 50થી વધારે રોગોના ઈલાજમાં તેનો ઉપયોગ થાય છે તે ખુબ જ પ્રભાવી રીતે અસર કરે છે. તે અધેડો, ભિલામો જેવી વનસ્પતિની જેમ ખુબ જ અસર કરે છે જેથી કાળજી પૂર્વક ઉપચાર કરીને ઘણી સમસ્યાથી રાહત મેળવવામાં ઉપયોગી છે. આશા રાખીએ કે આ માહિતી તમને ખુબ જ ઉપયોગી થાય અને રોગને નાબુદ કરે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com