ઋતુ પરીવર્તનના કારણે આપણે ઘણીવાર શરદી, કફ અને ખાંસી જેવી સમસ્યાનો ભોગ બનીએ છીએ. સામાન્ય રીતે શરદીમાં નાક બંધ થઇ જાય છે અને શરીરમાં કફ જામી જાય છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જો આ કફનું શરૂઆતમાં ધ્યાન ન આપવામાં આવે તો તે ગળા અને છાતીના ભાગે જમા થવા લાગે છે. આયુર્વેદમાં શરદી અને કફને દુર કરવા માટે અનેક ઉપાયો બતાવામાં આવ્યા છે. આ આર્ટીકલના માધ્યમથી અમે તમને રસોડાની આ વસ્તુથી કફને દુર કરવાના ઘરેલું ઉપાય જણાવવાના છીએ. ચાલો જાણીએ આ ઘરેલું ઉપાય વિષે.
સુંઠ અને કાળા મરી : સુંઠ, કાળા મરી, પીપર અને સિંધવ આ વસ્તુનું બનાવેલ પંચામૃત ચાટણ કફને મટાડવા ઉપયોગી છે. સૌપ્રથમ સુંઠ, કાળા મરી, પીપર અને સિંધવ મીઠું આ દરેક વસ્તુ 10-10 ગ્રામ લઇ તેને પીસી લો. ત્યાર બાદ તેમાં બી કાઢેલી 400 ગ્રામ સુકી કાળી દ્રાક્ષ લઈને પીસી લો. આ બધાને બરાબર પીસીને મિક્સ કરી એક પેક બરણીમાં ભરી લો. આ પંચામૃત ચાટણનો 20 ગ્રામ જેટલો સવાર સાંજ સેવન કરવાથી કફ સમસ્યા દુર થાય છે.
આદુ : છાતીમાં જામેલા કફના નિકાલ માટે આદુ એક મહત્વનો ઘરેલું ઉપાય છે. આદુનો રસ અને તેમાં મધ ઉમેરીને પીવાથી છાતી અને ગળામાં જામેલો કફ છુટો પડે છે. તેના સેવનથી હૃદયરોગ, આફરો અને શૂળમાં પણ ફાયદો થાય છે, સાથે જ ખોરાક પ્રત્યેની રૂચી ઉત્પન્ન થાય છે. રાત્રે સુતા પહેલા એક ચમચી મધને પાણીમાં ભેળવી પીવાથી પણ કફની સમસ્યા દુર થાય છે.
અજમો : અજમાંનો ઉપયોગ પણ શરદી અને કફના ઘરેલું ઉપચાર તરીકે ઉપયોગી છે. હળદર અને અજમાને લઇ એક કપ પાણીમાં નાખીને ગરમ કરો, જ્યાં સુધી પાણી અડધું થઇ જાય ત્યાં સુધી ઉકાળો અને તેમાં થોડો દેશી ગોળ નાખો, ત્યારબાદ થોડું ઠંડુ થઇ જાય એટલે પીવું જોઈએ. તેના સેવનથી કફમાં ઝડપથી આરામ મળશે.
રાઈ : રસોઈમાં વપરાતી આ રાઈ કફને દુર કરવામાં માટે પણ ઉપયોગી છે. રાઈને વાટીને અડધી ચમચી જેટલી સવાર સાંજ પાણી સાથે લેવાથી કફમાં રાહત થાય છે. રાઈની તાસીર ગરમ હોવાથી યોગ્ય માત્રામાં લેવી. નાના બાળકોને બને ત્યાં સુધી ઓછી માત્રામાં આપવી. જેથી ગરમ ન પડે.
કાળી મરી : મસાલાની રાણી એવી કાળી મરી ભોજનમાં સ્વાદ વધારવાની સાથો સાથ અનેક ઔષધીય ગુણ પણ ધરાવે છે. કાળી મરીના ઉપયોગથી તમે કફની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. સૌથી પહેલા કાળા મરીના થોડા દાણાંને સરખી રીતે પીસી લો, ત્યારબાદ 2 કપ પાણી ઉકાળી તેમાં કાળા મરી પાઉડરને ઉમેરો. જ્યાં સુધી પાણી અડધું થઇ જાય ત્યાં સુધી ઉકાળો અને ત્યારબાદ તેને ગાળી અને તેમાં એક ચમચી મધ મિક્સ કરો. આનું સેવન સવાર સાંજ કરવાથી કફ અને ઉધરસ બંનેમાં રાહત થાય છે.
લસણ : લસણનો ઉપયોગ શરદી અને કફને દુર કરવા ખુબ જ લાભદાયી છે. લસણને પીસીને તુલસીના પાનાન રસમાં નાખીને ગરમ કરી પીવાથી શરદી અને કફમાં રાહત થાય છે. લસણમાં રહેલા તેના ગુણો શરદી અને કફને દુર કરે છે.
લીલી હળદર : કફની સમસ્યામાં લીલી હળદર, અરડૂસી અને આદુનો રસ દિવસમાં નિયમિત 1-1 ચમચી ત્રણ વાર લેવાથી ઉધરસ, દમ, શરદી અને કફ મટે છે.
લવિંગ : જામેલા કફને દુર કરવા માટે લવિંગનો આ હર્બલ ઉકાળો પણ ફાયદા કારક છે, 2 કપ પાણી લો, તેમાં લવિંગ, ફુદીનો, કાળા મરી, આદુ, તુલસી અને થોડા પ્રમાણમાં ગોળ ઉમેરીને ધીમા તાપે ઉકાળો, ત્યારબાદ ઠંડુ પાડવા દો અને આ ઉકાળાનું સેવન કરવાથી કફમાં રાહત થાય છે.
જેઠીમધ અને આમળાં : ફેફસામાં જામી ગયેલો કફ બહાર કાઢવામાં તકલીફ પડતી હોય અને કફ બહાર નીકળતો ન હોય ત્યારે ખુબ જ તકલીફ થાય છે. જેઠીમધ અને આમળાનું સમાન ભાગે ચૂર્ણ બનાવો. આ ચૂર્ણને સવાર અને સાંજ 1-1 ચમચી પાણી સાથે નિયમિત લેવાથી થોડા જ દિવસોમાં કફ નીકળી જાય છે અને ફેફસા સ્વચ્છ થાય છે.
દ્રાક્ષ અને અરડૂસી : કફની સમસ્યામાં અરડૂસી, દ્રાક્ષ અને હરડેના ઉપયોગથી ફાયદો થાય છે. સૌપ્રથમ સમાન ભાગે અરડૂસી, દ્રાક્ષ અને હરડે લો, તેનો અધકચરો ભૂકો કરો. એક ગ્લાસ પાણીમાં 2-3 ચમચી આ અરડૂસી, દ્રાક્ષ અને હરડેનો ભૂકો ઉમેરો અને જ્યાં સુધી પાણી અડધું બળી જાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળો. આ ઠંડુ પડ્યા બાદ સવાર સાંજ પીવાથી રક્તપીત્ત, ક્ષય, કબજીયા, ઉધરસ અને કફમાં ફાયદો થાય છે.
કફની સમસ્યામાં જો શરૂઆતમાં ધ્યાન ન આપવામાં આવે તો આગળ જતા ખુબ જ ગંભીર બીમારી થવાની સંભાવના રહે છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કફમાં લોહીના કોઈ અંશ દેખાય તો ડોક્ટર પાસે અવશ્ય જવું જેથી કોઈ ગંભીર બીમારીથી બચી શકાય.
આમ, આ ઘરેલું ઉપચાર દ્વારા તમે શરદી અને જામેલા કફને હંમેશા માટે દુર કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com